સુવિચાર

સારા શિક્ષકો મોંઘા છે પરંતુ નરસા શિક્ષકો મોંઘા પડે છે.

Wednesday 23 May 2012

ગાંધીજી ફેસબુક પર હોત તો ? – ઉર્વીશ કોઠારી


‘ગાંધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો?’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્વપ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો ? બેશક, તેમના પ્રોફાઇલ પેજના કવર પિક્ચર- મુખ્ય તસવીર તરીકે ત્રણ વાંદરાના રમકડાની કનુ ગાંધીએ પાડેલી તસવીર બાપુએ મૂકી હોત- એટલે કે મુકાવી હોત. કારણ કે બાપુ પોતે થોડા ફેસબુક ઓપરેટ કરવા બેસે ? એ કામ તેમણે મહાદેવભાઇ દેસાઇને સોંપી દીઘું હોત. મહાદેવભાઇનું અકાળે અવસાન થયું ત્યારે સરદાર પટેલે કહ્યું પણ હોત કે ‘બિચારો મહાદેવ ! ફેસબુક પર બુદ્ધિના બળદીયાઓ જોડે લમણાં લેવામાં એનું આયુષ ઓછું થઇ ગયું.’
‘ફેસબુક’ પર એકાઉન્ટ ખોલવું કે નહીં એ વિશે શરૂઆતમાં ગાંધીજીના મનમાં ખાસી અવઢવ ચાલી હોત. ‘તેની પર જેટલો સમય બગડે, એટલું દેશને આઝાદી મળવામાં મોડું થશે’ – એવું વિચારીને તે ખચકાટ અનુભવતા હોત. પણ કાકાસાહેબ કાલેલકર જેવાએ તેમને સમજાવ્યા હોત કે આપણે છાપાં કાઢીએ છીએ તો પછી ફેસબુક શા માટે નહીં ? આપણે માઘ્યમથી મતલબ છે કે તેના દ્વારા આપવાના સંદેશાથી ? વર્ષો પછી માર્શલ મેક્લુઅને આ વાતને ‘મીડિયમ ઈઝ ધ મેસેજ’ તરીકે પ્રચલિત બનાવી હોત.
પ્રોફાઇલ પિક્ચર તરીકે પોતાનો ફોટો મુકવાને બદલે ગાંધીજીએ ચરખો મૂક્યો હોત. પોતાના પરિચયમાં તેમણે વિદેશી કોલેજનાં નામ-ડિગ્રી ટાળીને ‘સ્ટડીડ એટ’માં ‘આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટ’ લખાવ્યું હોત. એકાઉન્ટ ખોલ્યા પછી બધા સાથીદારોની સલાહથી ઉપરવટ જઇને, પહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમણે અંગ્રેજ વાઇસરોયને મોકલી હોત. તેનો સ્વીકાર કરવો કે નહીં તે માટે વાઇસરોયે બ્રિટન પુછાવવું પડ્યું હોત. ત્યાર પછી ખાનગી રાહે વાઈસરોયે ઝીણાને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું કહેવડાવ્યું હોત અને ગાંધી-ઝીણા બન્નેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસાથે સ્વીકારવાની જાહેરાત કરી હોત. ‘ફેસબુક’ પર પહેલું સ્ટેટસ શું મુકવું જોઇએ ? એવા મહાદેવભાઈના ક્ષણના પણ વિલંબ વિના જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું હોત : ‘લખો, મહાદેવ. સત્ય એ જ પરમેશ્વર.’ સ્ટેટસ મુકાયાની થોડી મિનિટોમાં ‘લાઇક’ અને કમેન્ટનો વરસાદ થયો હોત. મોટા ભાગના ‘લાઇક’ કરનારાએ રાબેતા મુજબ, પહેલાં ‘લાઇક’નું બટન દબાવ્યા પછી, સમયની અનુકૂળતા પ્રમાણે સ્ટેટસ વાંચ્યું હોત.
મોટા ભાગની કમેન્ટમાં એક જ સવાલ પૂછાયો હોત : ‘ફોટામાં ચરખો મૂક્યો છે ને નામ એમ. કે. ગાંધી લખ્યું છે, તે આ ગાંધીજીનું જ એકાઉન્ટ છે ? કે પછી કોઇ દારૂવાળો કે રાજકારણવાળો વઘુ એક વાર તેમનું નામ વટાવવા નીકળ્યો છે ?’ વારંવાર ખુલાસા કર્યા પછી મહાદેવભાઇએ આ ગાંધીજીનું સત્તાવાર એકાઉન્ટ હોવાનું જાહેર કર્યું હોત અને ફોટાની જગ્યાએ ‘બાપુના આશીર્વાદ’ એવી સહી મૂકી હોત.
ગાંધીજી ફેસબુક પર આવ્યાના સમાચાર ‘ટ્‌વીટર’ થકી ફેલાતાં, તેમની પર ફ્રેન્ડ રિક્વેસ્ટનો મારો થયો હોત. તેમાં જવાહરલાલ નેહરુ અને મીરાબહેનથી માંડીને સામાન્ય પ્રજાજનો, લેંકેશાયરના મિલમજૂરો અને દક્ષિણ આફ્રિકાના સાથીદારોનો સમાવેશ પણ થતો હોત. ફ્રેન્ડલિસ્ટ 5 હજારની મહત્તમ મર્યાદા ભણી સડસડાટ આગળ વધતું જોઇને ગાંધીજીએ નવું સ્ટેટસ મુકાવ્યું હોત : ‘હરિજનફાળામાં દાન કરનારની ફ્રેન્ડ રિક્વેસ્ટ જ સ્વીકારવામાં આવશે.’ પોતાનું એકાઉન્ટ નહીં ધરાવતા, પણ ફેસબુકમાં શું ચાલી રહ્યું છે તેનું ઘ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એકાઉન્ટ પરથી રાખતા સરદાર પટેલ ગાંધીજીની શરત વાંચીને મરક્યા હોત. બાજુમાં બેઠેલા માવળંકરને તેમણે કહ્યું હોત, ‘જોયું ? હજુ તો મહિનો પણ થયો નથી ને ડોસા જણાઈ આવ્યા.’
‘પણ તમે કેમ ફેસબુક પર ખાતું ખોલતા નથી ? હવે ગાંધીજીના ફ્રેન્ડલિસ્ટમાં આવવા માટે તો ખોલાવો.’ એવા આગ્રહના જવાબમાં સરદારે કહ્યું હોત, ‘મારે એમના ફ્રેન્ડલિસ્ટમાં આવવાની શી જરૂર ? એમણે આપણને જે આપવાનું હતું એ આપી દીઘું છે. એ પાળવા કોશિશ કરીએ તો ઘણું છે. મને એમના ફ્રેન્ડ તરીકે ઓળખાવામાં કોઇ રસ નથી.’ આ વાત ગાંધીજી સુધી પહોંચતાં તેમણે ખડખડાટ હસીને કહ્યું હોત, ‘વલ્લભભાઇની નિખાલસતાનો જય હો. એ તો આમ જ કહે.’
શરૂઆતમાં મહાદેવભાઇએ રોજ એક વાર ‘ફેસબુક’નું એકાઉન્ટ અપડેટ અને ચેક કરવું તથા રાત્રે સૂતાં પહેલાં તેનો રીપોર્ટ આપવો એવું ગાંધીજીએ ઠરાવ્યું હોત. તેમાં સોમવારે ‘મૌન’ પાળવાનો નિયમ ચાલુ રખાયો હોત. મહાદેવભાઇએ ‘ફેસબુક’ પર પોતાનું અલગ એકાઉન્ટ ખોલ્યું છે તેની એક દિવસ જાણ થતાં ગાંધીજીએ તેમને બરાબર ઠપકો આપ્યો હોત. ‘તમારે વળી એકાઉન્ટની શી જરૂર ? એવું તે શું લખ્યા વિના તમે રહી ગયા ? કવિતડાં લખશો ? ટોળટપ્પાં મારશો ? એ બધાને હું તો વ્યભિચાર ગણું. તમારે અલગ એકાઉન્ટ વાપરવું હોય તો મારું એકાઉન્ટ ચલાવવાનું કામ તમારે છોડવું જોઇએ.’ મહાદેવભાઇએ તત્કાળ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરાવી દીઘું હોત. ગાંધીજીના ફેસબુક એકાઉન્ટના હજારો સબસ્ક્રાઈબર થયા હોત. તેમાંથી ઘણા પોતાને ‘ગાંધીવાદી’ ગણાવતા હોત, પણ તેમાંથી બહુ થોડા લોકોને ગાંધીજીની વાતમાં રસ હોત. મોટા ભાગના લોકો દેખાદેખી કે ગાંધીજીને સેલિબ્રિટી ગણીને તેમનું એકાઉન્ટ સબસ્ક્રાઇબ કરતા હોત. સંખ્યા વિશે કોઇ પ્રકારના ભ્રમ ન ધરાવતા ગાંધીજીએ કહ્યું હોત, ‘જે સંખ્યાના જોરે કૂદાકડા મારે છે તે પડવાને સારુ. સેંકડો સબસ્ક્રાઇબર્સથી કોઇનો ઉદ્ધાર થયેલો જાણ્યો નથી. લાખો ઓનલાઇન સબસ્ક્રાઇબર્સ કરતાં એક સાચા સાથીનું મૂલ્ય મારે મન વધારે છે.’
‘હિંદ છોડો’ ચળવળ વખતે અંગ્રેજોએ ફેસબુક પર પ્રતિબંધ મૂકતાં ગાંધીજીએ નારો આપ્યો હોત, ‘(સ્ટેટઅસ અપડેટ) કરેંગે યા મરેંગે.’ અંગ્રેજોને પણ સમજાયું હોત કે ‘ફેસબુક’ પર પ્રતિબંધ મૂકવા કરતાં, એ ચાલવા દેવામાં વધારે ફાયદો છે. કારણ કે મોટા ભાગના લોકોનો રોષ ‘ફેસબુક’ પર નીકળી જાય છે. ગાંધીજી જેવા રાજદ્વારી કેદીઓને જેલમાં પણ દિવસમાં એક વાર ફેસબુક વાપરવાની સુવિધા અપાઈ હોત, પરંતુ તેમાં એવી સેન્સરશીપ હોત કે એ ફક્ત જોઈ શકે- પોતાનું સ્ટેટસ અપડેટ કરી શકે નહીં.
ગાંધીજીના એકાઉન્ટ પર સ્ટેટસ અપડેટ બંધ થયાના થોડા દિવસ સુધી લોકો તેમને શુભેચ્છા સંદેશ મોકલતા હોત, પણ ધીમે ધીમે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમના લાખો સબસ્ક્રાઇબર્સમાંથી મોટા ભાગના ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી જેલમાં છે. કેટલાક તો એ પણ ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી છે. જેલમાંથી બહાર આવ્યા પછી પ્યારેલાલે ગાંધીજીનું ફેસબુક ખાતું સંભાળ્યું હોત, પણ કોમી હિંસાના દિવસોમાં પોતાના સંદેશા અંગે લોકોની હિંસક પ્રતિક્રિયાઓ જોઇને ગાંધીજી સ્તબ્ધ થઇ ગયા હોત. ગાંધીજી જેટલી વાર માણસાઈ રાખવાની અને શાંતિ જાળવવાની અપીલ મુકે એટલી વાર ‘પંજાબમાં હિંદુઓને માર્યા ત્યારે તમે ક્યાં ગયા હતા?’ કે ‘કાશ્મીરમાં હિંદુઓને હાંકી કાઢ્યા ત્યારે તમે ક્યાં હતા ?’એવા સવાલ તેમને પૂછાતા હોત. ગાંધીજી તેનો જવાબ આપે એટલે તરત ‘એ બઘું ઠીક છે, પણ તમે લાહોરમાં હિંદુઓની કત્લેઆમ થઇ ત્યારે ક્યાં ગયા હતા ?’ એવા સવાલ તૈયાર જ હોત.
શાંતિ જાળવવાની ગાંધીજીની એક અપીલ નીચે કમેન્ટમાં નથુરામ ગોડસેએ લખ્યું હોત : ધડામ. ધડામ. ધડામ. ગોડસેની કમેન્ટ નીચે ‘આરઆઇપી’ (રેસ્ટ ઇન પીસ)ના ઢગ ખડકાયા હોત.

શ્રી ઉર્વીશભાઈનો સંપર્ક તમે  uakothari@yahoo.com  પર કરી શકો છો.
                                                                                                          - ReadGujarati.com

Saturday 19 May 2012

રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012

વિશ્વના વાચકોને વર્તમાન સામાજિક જીવનના પ્રવાહો પ્રમાણે વૈવિધ્યસભર ગુજરાતી સાહિત્ય મળી રહે તેમજ નવોદિત લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવાનું માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તે હેતુથી પ્રતિવર્ષની ચાલુ વર્ષે રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2012’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે જરૂરી વિગત નીચે પ્રમાણે છે.

વાર્તા સ્પર્ધાના નિયમો :

[1] વાર્તા સ્પર્ધામાં 18 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાંથી ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. માત્ર સ્પર્ધકે નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ચાલુ વર્ષે વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ : 17-જુલાઈ-2012 છે.
[2] આ સ્પર્ધા માત્ર નવોદિતો માટે રાખવામાં આવે છે. આથી, રીડગુજરાતીની ગત વાર્તા-સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો, સાહિત્યકારો તેમજ જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. જેમનાં ફક્ત કાવ્ય અને ગઝલના પુસ્તકો પ્રકાશિત થયા હોય તેઓ આ સ્પર્ધામાં જરૂરથી ભાગ લઈ શકે છે. જુદા જુદા સામાયિકોમાં ક્યારેક જેમની વાર્તા/લેખ પ્રકાશિત થઈ હોય તેઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
[3] વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. વાર્તા 1800 થી 3000 શબ્દો વચ્ચે હોવી જોઈએ. આત્મકથાત્મક કે નિબંધ પ્રકારની કૃતિઓ અસ્વીકાર્ય ગણાશે. માત્ર ‘ટૂંકી વાર્તા’નું સ્વરૂપ જ સ્વીકાર્ય ગણાશે.
[4] હસ્તલિખિત વાર્તા મોકલનાર સ્પર્ધકે વાર્તા ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે વાર્તા મોકલનારે વાર્તાની એક ઝેરોક્ષ પોતાની પાસે રાખીને ઓરીજીનલ કોપી મોકલવાની રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા વાર્તા નિશ્ચિત કરેલી તારીખ અગાઉ મોકલવાની રહેશે.
[5] વાર્તા ટાઈપ કરીને ઈ-મેઈલથી પણ મોકલી શકાય છે. (કૃપયા હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલવી નહીં) ઈ-મેઈલથી વાર્તા મોકલનારે PDF Format અથવા Word Document Format માં જ વાર્તા મોકલવી. વાર્તા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ ઈ-મેઈલ સાથે એટેચ કરવા જરૂરી છે. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Varta-Spardha-2012 લખવું.
[6] સ્પર્ધામાં મોકલેલી વાર્તા અન્યત્ર મોકલી શકાશે નહિ. સ્પર્ધામાં વિજેતા થયેલી પ્રથમ ત્રણ ક્રમાંકની વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક ‘રીડગુજરાતી.કોમ’નો રહેશે. તેમ છતાં, વિજેતા થયેલી વાર્તા જો ‘રીડગુજરાતી’ના સાહિત્યિક સ્વરૂપને અનુરૂપ હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા નીવડે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.
[7] સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે ‘રીડગુજરાતી’ કે તેના તંત્રી જવાબદાર રહેશે નહિ.

અગત્યની તારીખો :

સ્પર્ધાની શરૂઆત : તા. 17-મે-2012
વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : 17-જુલાઈ-2012
સ્પર્ધાનું પરિણામ : 17-ઑગસ્ટ-2012

વાર્તા કેવી રીતે મોકલશો ? :

પોસ્ટ કે કુરિયર દ્વારા વાર્તા મોકલવા માટે….
Address :
Mrugesh Shah
7, Geeta Park Society,
B/H Bright School,
V.I.P Road, Karelibaug.
Vadodara-390022. Gujarat. India.
ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે : gujarativarta@gmail.com
Subject : Varta-Spardha-2012

પુરસ્કારની વિગતો :

વિજેતાઓને નીચે પ્રમાણે પુરસ્કારની રકમ અપાશે :
પ્રથમ પુરસ્કાર : રૂ. 3001
દ્વિતિય પુરસ્કાર : રૂ. 2001
તૃતિય પુરસ્કાર : રૂ. 1001
વિજેતાઓને પુરસ્કારની રકમ માત્ર ભારતીય ચલણમાં જ અપાશે. ભારતમાં વિજેતા થનાર સ્પર્ધકને ડિમાન્ડ ડ્રાફટ અથવા મનીઑર્ડરથી આ રકમ મોકલવામાં આવશે. વિજેતા થનાર કોઈ સ્પર્ધક જો વિદેશમાંથી હોય તો જે સરળ માધ્યમ ઉપલબ્ધ હશે તે રીતે તેઓને પુરસ્કારની રકમ પહોંચતી કરવામાં આવશે.

નિર્ણાયકો :

નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે પોતાનો કિંમતી સમય આપીને “રીડગુજરાતી વાર્તાલેખન સ્પર્ધા”ની તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર.
[1] ડૉ. ભારતી રાણે
મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો આપણે અહીં રીડગુજરાતી પર પણ માણ્યા છે.
[2] ડૉ. નૂતન જાની
મુંબઈની એસ.એન.ડી.ટી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના મુખ્ય અધ્યક્ષ તરીકે  ફરજ બજાવતા નૂતનબેન અભ્યાસે Ph.D. છે. વિશેષરૂપે તેઓ ‘Interdisciplinary Research on Cultural Studies’ અને ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે સક્રીય રીતે કાર્યરત છે. તેમના 11થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને 25થી વધુ અભ્યાસલેખો તેમણે લખ્યા છે. ખાસ કરીને સંશોધનાત્મક લેખનક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. કાવ્ય અને ટૂંકીવાર્તા ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના તાજેતરમાં સંપાદિત થયેલા પુસ્તક ‘સંવાદ’માંથી આપણે કેટલીક વાર્તાઓ રીડગુજરાતી પર માણી છે. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ માનદ સભ્ય તરીકે સેવાઓ આપે છે. ‘અસ્મિતાપર્વ’ સહિત અનેક સાહિત્યિક કાર્યક્રમોમાં તેઓ વક્તા તરીકે પણ રહી ચૂક્યા છે.
[3] માવજી મહેશ્વરી
શ્રી માવજીભાઈ અંજાર (કચ્છ)ના નિવાસી છે. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નિંબધકાર તરીકે જાણીતા છે. સરકારી નોકરી કરતાં કરતાં તેમણે સાહિત્યક્ષેત્રે ખૂબ ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. તેમની ‘મેળો’ નામની નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમી અને કલાગુર્જરીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે જ્યારે ‘બોર’ નામના લલિત નિબંધ સંગ્રહને સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ અને કલાગુર્જરીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, તેમણે ‘મેઘાડંબર’, ‘કાંધનો હક’, ‘અગનબાણ’ નામની નવલકથાઓ અને ‘અદશ્ય દીવાલો’, ‘પવન’,  ‘વિજોગ’,  ‘હસ્તરેખા’, ‘રત્ત’ (કચ્છીમાં) જેવા વાર્તાસંગ્રહો આપ્યાં છે. સાહિત્યના અન્ય પ્રકારોમાં તેમણે ‘રણભેરી’ નામનું ચરિત્રનિબંધ અને ‘ઉજાસ’ નામનું ચિંતનાત્મક ગદ્યનું પુસ્તક આપણને આપ્યું છે. તેમની દસેક જેટલી વાર્તાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ભોજપુરીમાં અનુવાદ થયેલી છે. કચ્છમિત્ર દૈનિકમાં તેમણે લખેલી ભૂકંપ સંબંધી કોલમ પરથી NSD ( New Delhi ) એ ૨૦૦૨માં ‘તિનકા તિનકા’ નામનું નાટક બનાવેલ હતું; જેના મુંબઈ દિલ્હી વગેરે જગ્યાએ શૉ યોજાયા છે. રીડગુજરાતી પર આપણે એમની કેટલીક વાર્તાઓ અને નિબંધો માણ્યા છે.

Thursday 17 May 2012

બ્લોગ શા માટે?

આ બ્લોગ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તમામને ઉપયોગી પુરવાર થાય તેવા પ્રયત્નો કરીશ.